પડધરી સરકારી હોસ્પિટલમાં બે નર્સ વચ્ચે મારામારી
સરકારી હોસ્પિટલના તબીબ, નર્સને દર્દીના પરિવારજનો દ્વારા માર મારવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. પરંતુ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે મારામારી થઇ હોય તેવો બનાવ તો ભાગ્યેજ બનતો હોય છે. આવી જ એક ઘટનામાં પડધરી સરકારી હોસ્પિટલની બે નર્સ વચ્ચે તું તું- મેં મેં થયા બાદ બન્ને મારા મારી પર ઉતરી આવતા હોસ્પિટલમાં તમાશો સર્જાયો હતો.
બનાવની વિગતો મુજબ પડધરી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી દર્શના યશોધરભાઇ ત્રિવેદી (રે.પારસ સોસાયટી,રાજકોટ) અને પ્રભાબેન.એમ.કડીવાર (રે.પડધરી) વચ્ચે હોસ્પિટલમાં સવારના સમયે ઝઘડો થયો હતો.
બોલાચાલી બાદ મામલો વધુ વણસતા નર્સ પ્રભાએ દર્શનાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. હોસ્પિટલમાં સવારે બે નર્સ વચ્ચે મારામારીનો બનાવ બનતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. મારામારી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઘવાયેલી નર્સ દર્શનાબેને નોંધાવેલી ફરિયાદમાં, થોડા દિવસ પહેલા પડધરી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ચંદારાણાની બદલી થઇ હતી.
જે બદલીમાં મે ભાગ ભજવ્યો હોવાની શંકા કરી પ્રભાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પડધરી પોલીસના ફોજદાર કે.વી.સાવંતે તપાસ હાથ ધરી છે. બે નર્સ વચ્ચેના મારામારીના બનાવથી હોસ્પિટલ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
No comments:
Post a Comment